વર્ષૹ ૦૯ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૯૩ • જાન્યુઆરી ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫
ચૌરીચૌરાનો હત્યાકાંડ આપણે માટે દીવાદાંડીરૂપ છે. જો કડકમાં કડક ચોકી ન કરવામાં આવે તો હિંદુસ્તાન કઈ દિશાએ સહેજે વળી જઈ શકે એમ છે તે એ બતાવે છે. જો આપણે અહિંસાના સંઘમાંથી હિંસાને કાઢી ન શકીએ તો જેમ બને તેમ જલદી પાછા ફરીને શાંતિનું વાતાવરણ સ્થાપીએ અને આપણો કાર્યક્રમ નવેસર ગોઠવી ફરી સવિનયભંગ થાય અને તે વેળાએ સરકાર ચાહે તેટલી પજવણી કરે તોપણ ખુનામરકી ન થવા વિશે તેમજ અધિકાર વગરના સંઘો સામુદાયિક ભંગ શરૂ નહીં કરી દે એવી આપણા મનની ખાતરી ન થાય ત્યાં સુધી સામુદાયિક સવિનયભંગનો વિચારસરખો છોડી દીધે જ આપણો આરો છે. ....શત્રુ ભલે આપણી ભોંઠપ નીરખી નીરખીને હરખના કૂદકા ભરે, ભલે આપણી હાર થઈ માનીને આનંદઓચ્છવ કરે. કરેલી પ્રતિજ્ઞાના ભંગ કર્યાનું અને ઈશ્વરને બેવફા બન્યાનું પાપ માથે લેવા કરતાં ડરપોક અને નબળા નીવડ્યાનું તહોમત માથે લેવું હજાર દરજ્જે બહેતર છે. આપણા અંતરઆત્મા આગળ જૂઠા નીવડ્યા કરતાં દુનિયા આગળ જૂઠા દેખાવું એ કરોડગણું સારું છે. [ગાં. અ. ૨૨ : ૩૭૮]