આપણાં સામયિકો અને પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન આપતા એક ઇ-ડાયજેસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ વાચન મેળવવાનું વરસ પહેલાંનું સ્વપ્ન એક સાહસિક સંકલ્પમાં પલટાયું તે તમે જોઈ શકો છો. આ સાતમા અંક સાથે ‘સંચયન' બીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આપણા સરજાતા જતા સાહિત્યથી અને અગાઉના સાહિત્ય-વારસથી પરિચિત રહેવાની તીવ્ર ઇચ્છામાંથી ‘સંચયન' ઉદ્ભવ્યું. ઘણા વર્ષોથી, ગુજરાતી સાહિત્યનો સીધો ને સતત સંપર્ક ઓછો થઈ ગયો હતો. એ તાજો કરવો છે - તેવું મારા જેવા ઘણા મિત્રોએ પણ કહેલું.